VIDEO: Vadodara / સોખડાના પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડે ભાજપને કર્યા ‘રામ-રામ’, કોંગ્રેસમાં કરી ઘરવાપસી
વડોદરા જિલ્લાના રાજકારણમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પંચાયતની સોખડા બેઠકના પૂર્વ સભ્ય અને પ્રભાવશાળી નેતા કિરણસિંહ રાઠોડે ભાજપને 'રામ-રામ' કરી દીધા છે. કિરણસિંહ રાઠોડે ભાજપના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી રાજીનામું આપીને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે 25 જેટલા સમર્થકોએ પણ કોંગ્રેસમાં જોડાઈને ‘ઘરવાપસી’ કરી છે.
કોંગ્રેસમાં જોડાયા બાદ કિરણસિંહ રાઠોડે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પક્ષની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, "ભાજપ માત્ર એસી કેબિનોમાં બેસીને વિકાસની વાતો કરે છે. વાસ્તવિકતામાં વિકાસની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ભરોસાની ભાજપ સરકાર હવે રહી નથી, માત્ર મોટા વચનો જ આપવામાં આવે છે. પોતાના રાજીનામા પાછળનું કારણ જણાવતા તેમણે ઉમેર્યું કે, "હું એ આશા સાથે ભાજપમાં જોડાયો હતો કે મારા વિસ્તારનો વિકાસ થશે. પરંતુ ભાજપમાં ગયા બાદ મારી એ આશા ઠગારી નીવડી છે. છેવાડાના માણસ સુધી સુવિધાઓ પહોંચતી નથી અને જનતાના કામો થતા નથી."
કિરણસિંહ રાઠોડની કોંગ્રેસમાં વાપસીથી સોખડા વિસ્તાર અને જિલ્લા પંચાયતની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે. 25 જેટલા સક્રિય કાર્યકરો અને આગેવાનો એકસાથે કોંગ્રેસમાં જોડાતા સ્થાનીય સ્તરે કોંગ્રેસ મજબૂત બની છે.

