વડોદરામાં એલર્જીને લીધે વહુએ બાથરૂમ સાફ ન કરતાં ઉશ્કેરાયેલી સાસુએ કર્યો એસિડ એટેક, પતિની ધરપકડ

વડોદરાના ગોરવા પોલીસ મથક વિસ્તારમાં ઘરકંકાસને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાથરૂમ સાફ ન કરવાના મુદ્દે ઉશ્કેરાયેલી સાસુએ પોતાની પુત્રવધુ પર એસિડ ફેંકી દેતાં વહુને ઇજા પહોંચી હતી. આ મામલે પીડિત હેલી દુધરેજીયાએ ગોરવા પોલીસ મથકમાં સાસુ સહિત પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.
પરિણીતા સારવાર હેઠળ
મળતી માહિતી મુજબ, હેલી દુધરેજીયાને એલર્જીની સમસ્યા હોવાથી તેણે બાથરૂમ સાફ કર્યું નહોતું. બાથરૂમ સાફ ન કરવાના મુદ્દે સાસુ ઉશ્કેરાઈ ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સાસુએ હેલીના મોઢાના ભાગે એસિડ ફેંકી દેતાં તે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટના બાદ હેલીને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. બનાવને પગલે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ગોરવા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
પતિની ધરપકડ
ફરિયાદમાં હેલીએ પતિ પિયુષ દુધરેજીયા, સાસુ અને નણંદ સામે દહેજને લઈને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ મૂક્યો છે. ફરિયાદના આધારે પોલીસે પતિ પિયુષ દુધરેજીયાની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો છે. બીજી તરફ, એસિડ એટેક કરનાર સાસુ હાલ ભાવનગર ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, તે ભાવનગરથી પરત આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અન્ય સાસરિયાઓની ભૂમિકા સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બનાવને પગલે ગોરવા પોલીસ દ્વારા એસિડ એટેક સહિત દહેજના ત્રાસના આરોપોની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

