વડોદરાની બેંક ઓફ બરોડામાં કરોડોની લોન મેળવી ઠગાઈ આચરનાર ભેજાબાજ અડાલજથી પકડાયો

વડોદરામાં બેંક સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. રણોલી સ્થિત બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં બોગસ ફોર્મ અને દસ્તાવેજો રજૂ કરીને રૂ.3.47 કરોડની લોન મેળવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં લાંબા સમયથી ફરાર માસ્ટરમાઇન્ડને પોલીસે ગાંધીનગરના અડાલજ ખાતેથી ઝડપી પાડ્યો છે.
બોગસ દસ્તાવેજોના આધારે રૂ.3.47 કરોડની લોન મેળવી
મળતી માહિતી મુજબ, વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણોલીની બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં વર્ષ 2022થી 2024 દરમિયાન બોગસ ફોર્મ અને બનાવટી દસ્તાવેજોના આધારે રૂ.3.47 કરોડની લોન મેળવવામાં આવી હતી. આ મામલે કેવિન કિશોરભાઈ કરકર (રહે. પિંકલ એપાર્ટમેન્ટ, શાંતિ કુંજ-2, માંજલપુર, વડોદરા) સામે ગુનો નોંધાયો હતો. ત્યારથી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી.
આરોપી સામે સમા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે આવેલી અંબા ટાઉનશિપમાં રોકાયો છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને કેવિન કરકરને ઝડપી પાડ્યો હતો.
આમ, બેંકમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને કરોડોની લોન મેળવવાના પ્રકરણમાં લાંબા સમયથી ફરાર આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.











