ગુજરાતમાં બે ગંભીર અકસ્માત સર્જાતા કુલ 3ના મોત, 7 ઘાયલ સારવાર હેઠળ
અવારનવાર આપણે અકસ્માતની ઘટના વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાં પાટણ અને ખેડા જિલ્લામ

અવારનવાર આપણે અકસ્માતની ઘટના વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાં પાટણ અને ખેડા જિલ્લામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બંને જિલ્લાઓમાં સર્જાયેલા અકસ્માતમાં કુલ 3 લોકોના કરુણ મોત નિપજ્યા હતા અને સાત લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાટણમાં ગાડી પલટી જતાં બેનાં મોત, છ લોકો ઘાયલ
પાટણ જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને છ લોકોને ઈજા થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. એક પરિવાર ઊંઝા નજીક દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં આ ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું હતું.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ નજીક સ્કોર્પિયો ગાડી એકાએક પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના બની હતી. ગાંધીધામના ચુડવાડ વાઢનો કુરેજા પરિવાર ઊંઝા નજીક દર્શનાર્થે જતો હતો તે દરમિયાન અકસ્માત નડયો હતો. આ ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા જ્યારે છ વ્યક્તિઓ ઘાયલ થતાં તેમના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે માર્ગ પર લોકોના ટોળેટોળા એકઠા થયા. અકસ્માતની જાણ થતાં વારાહી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડામાં રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત જ્યારે એક ઘાયલ
ખેડામાં ગંભીર અકસ્માત સર્જાતા એકનું મોત થયું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં મહુધા નજીક માર્ગમાં રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં મહુધાના યુવકનું મોત નિપજ્યું હતું. બાઈક અને રીક્ષાના અકસ્માતમાં રીક્ષા રોડની સાઈડના ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં મહુધાના મુજફર મિયાં હૈદરમિયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ઘાયલ યુવાનને મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો છે. મહુધા નગરપાલિકા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઉમટ્યા હતા. મૃતકના પરિવારજનો દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ભારે રોકકળ મચાવી દેતા વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.






