Video: ચાણસ્મા નજીક ટ્રક પલટી, એકનું મોત

પાટણ જિલ્લાના ચાણસ્મા-મહેસાણા હાઇવે પર પીંપળ ગામ નજીક સાઇન બોર્ડ ભરેલી આઇસર ટ્રકનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઊંઝાના ઉનાવાથી એકલવા તરફ જઈ રહેલી ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ખેતરમાં પલટી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રકમાં ફસાયેલા લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં પ્રભુભાઈ અમરતભાઈ ફુલવાદીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ટ્રકચાલક સહિત સાત લોકોને ઈજા થતાં ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય બે યુવકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે ચાણસ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.







