ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ, તૈયારીઓને અપાયો આખરી ઓપ
ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે

ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવશે.
154 બ્લોકમાં પરીક્ષા યોજાશે
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની યોજનાર પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ સજજ બન્યું છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ધો.૧૦ ના ૨૨૫૮૩, ધો.૧૨સામાન્ય પ્રવાહના ૮૧૫૪ તથા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૩૦૪૮ મળી કુલ ૩૩૭૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. એસ.એસ.સીમાં કુલ ૩૨ પરીક્ષા કેન્દ્રો, ૮૪ બિલ્ડીંગો, ૮૦૯ બ્લોકમાં પરીક્ષા યોજાશે. એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં ૧૨ કેન્દ્રો, ૩૦ બિલ્ડીંગો, ૨૬૪ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તે જ રીતે એચ.એસ.સી વિજ્ઞાનપ્રવાહમાં ૦૪ કેન્દ્રો, ૧૭ બિલ્ડીંગો, ૧૫૪ બ્લોકમાં પરીક્ષા યોજાશે.
ક્લેક્ટરે યોજી બેઠક
તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. પરીક્ષામાં જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ,સહિત કુલ 3477 સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોડાશે. પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા સહિતના પગલાના આયોજન સંદર્ભેદ રોજ કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી જેમાં સુચાર રૂપે આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવાના અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી છે.








