VIDEO: સુરેન્દ્રનગરમાં ભરશિયાળે વડોદ ડેમના દરવાજા ખોલાયા, ભોગાવો નદીના પટમાં આવતા 14 ગામોને કરાયા એલર્ટ
VIDEO: ઝાલાવાડ પંથકમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા ભોગાવો નદી બે કાંઠે થવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર દ્વારા કાંઠાના 14 ગામડાઓને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે.
બ્રિજના કામ માટે પાણીનો નિકાલ
મળતી માહિતી મુજબ, વસ્તડી-ચુડા બ્રિજનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી માટે જરૂરી લેવલ લાવવાના આશયથી ડેમમાંથી પાણી ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે. વડોદ ડેમના 2 દરવાજા ખોલીને પાણી સીધું ભોગાવો નદીમાં વહેવડાવવામાં આવી રહ્યું છે. જોકે, એકતરફ જ્યારે ઉનાળા પહેલા પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે આ રીતે પીવાના પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
14 ગામોને સાવચેત રહેવા અપીલ
વડોદ ડેમમાંથી પાણી છોડાતા ઉઘલ, લિયાદ, લીંબડી, બોડિયા અને સૌકા સહિતના 14 ગામોના લોકોને નદીના પટમાં ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે. પશુપાલકોને પણ પોતાના ઢોર-ઢાંખર નદી તરફ ન લઈ જવા તાકીદ કરાઈ છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

