VIDEO: સુરેન્દ્રનગરના રણમાં અગરિયાઓની રોજીરોટી પર વાવાઝોડાનો ઘા: નૌશાદ સોલંકીએ પીડિતોની મુલાકાત લઈ કરી મોટી માંગ
VIDEO: ગુજરાતમાં બે દિવસ પહેલા આવેલા ભારે પવન અને વાવાઝોડાએ સુરેન્દ્રનગર જિલ્લાના રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારોની આજીવિકા પર વજ્રઘાત કર્યો છે. અગરિયાઓની આ વિકટ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રણની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારો સાથે વાતચીત કરી તેમની વેદના સાંભળી હતી.
ભારે આર્થિક નુકસાન અને તારાજી
નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે અગરિયાઓના કાચા ઝૂંપડાં ઉડી ગયા છે અને મીઠું પકવવા માટે અત્યંત જરૂરી એવી સોલાર પ્લેટોને વ્યાપક નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિને કારણે પ્રત્યેક અગરિયા પરિવારને અંદાજે 2 લાખ રૂપિયાથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મીઠાના ઉત્પાદન પર પડેલી અસર વિશે તેમણે ઉમેર્યું કે, ભારે પવન અને પાણીને કારણે એક પાટા દીઠ આશરે 200 ટન જેટલું મીઠું ઓછું પાકશે, જે સીધી રીતે અગરિયાઓની આર્થિક કમર તોડી નાખશે.
સરકારી સર્વે પર સવાલો
સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેની કામગીરી પર આકરા પ્રહારો કરતા પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું કે, "માત્ર 2 અધિકારીઓ રણમાં સરવે કરવા આવ્યા છે અને તેમને પણ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી." તેમણે સરકારને વિનંતી કરી છે કે સર્વેના નાટકો બંધ કરી, જે અગરિયાઓ પાસે 'અગરિયા કાર્ડ' છે, તેમના બેંક ખાતામાં સીધી રોકડ સહાય જમા કરવામાં આવે જેથી તેઓ ફરી બેઠા થઈ શકે.
તાત્કાલિક માંગણીઓ
પીડિત અગરિયાઓ વતી નૌશાદ સોલંકીએ માંગ કરી છે કે તૂટી ગયેલી સોલાર પેનલો તાત્કાલિક ફરીથી ઈન્સ્ટોલ કરવામાં આવે જેથી મીઠું પકવવાની પ્રક્રિયા અટકે નહીં. આ મુલાકાત દરમિયાન અગરિયા પ્રિયંકા ઠાકોરે પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સરકાર તેમની આ મુસીબતના સમયમાં યોગ્ય ચિંતા કરે અને ઝડપી મદદ પૂરી પાડે.

