VIDEO: ઝાલાવાડમાં આકાશી આફત! ચોટીલા પંથકમાં કરા સાથે વરસાદ, વરિયાળી અને ચણાનો પાક બરબાદ
VIDEO: ઝાલાવાડના સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને ચોટીલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ તબાહી મચાવી છે. ચોટીલાના મોટા કાંધાસર સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરાનો વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત લોહીના આંસુએ રોઈ રહ્યો છે.
ખેતી પાકોને વ્યાપક નુકસાન
ચોટીલા પંથકમાં પડેલા કરાના વરસાદે ઉભા પાકનો સોથ વાળી દીધો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ:
વરિયાળી: કરાની તીવ્રતા એટલી હતી કે તૈયાર થયેલો વરિયાળીનો પાક ખેતરમાં જ તૂટી પડ્યો છે.
ચણા: ખેતરોમાં જે ચણાનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણીની તૈયારીમાં હતો, તે વરસાદમાં પલળી જવાથી ભારે નુકસાન થયું છે.
જીરું અને અન્ય પાક: કમોસમી માવઠાને કારણે જીરું અને રાયડા જેવા રવિ પાકોમાં પણ રોગચાળાની ભીતિ અને ગુણવત્તા બગડવાનો ડર પેદા થયો છે.
લોકોમાં કુતૂહલ અને ચિંતા
ઉનાળાની શરૂઆતે જ ચોમાસા જેવો માહોલ જોઈ ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું હતું. કરાથી સફેદ ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, આ આકાશી આફતે ખેડૂતોની આજીવિકા પર સીધો પ્રહાર કર્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને કરા પડવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. હવે ખેડૂતો સરકાર પાસે આર્થિક સહાય અને સર્વેની માંગ કરી રહ્યા છે.

