VIDEO: વ્યાજખોરોનો આતંક: સુરેન્દ્રનગરના ગઢડા ગામે ખેડૂતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પરિવાર પર આભ તૂટી પડયું
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામના એક યુવાન ખેડૂતે વ્યાજ માફિયાઓના અસહ્ય ત્રાસ અને ધાક-ધમકીથી કંટાળીને પોતાના જ ખેતરમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
વ્યાજખોરોની ક્રૂરતા
મૃતક ગોપાલભાઈ બાવળિયા (ઉંમર વર્ષ 35)એ આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે પાંચ જેટલા વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા. આરોપ છે કે, વ્યાજખોરો માસિક 10 ટકા જેવું ઊંચું વ્યાજ વસૂલતા હતા. વ્યાજની રકમ વસૂલવા છતાં સંતોષ ન થતા, વ્યાજખોરોએ ગોપાલભાઈની ખેતીની વાડીનો દસ્તાવેજ પણ કરાવી લીધો હતો. વાડી પડાવી લીધા પછી પણ વ્યાજખોરોએ પીછો ન છોડતા અને સતત દબાણ કરતા અંતે ખેડૂતે મોતને વહાલું કર્યું હતું.
પરિવાર પર આભ ફાટી પડ્યું
મૃતક ખેડૂતના ભાઈઓ વિપુલભાઈ અને ચંદુભાઈ બાવળિયાએ ન્યાયની માંગ કરતા જણાવ્યું છે કે વ્યાજખોરોએ તેમના ભાઈને મરવા મજબૂર કર્યો છે. ગોપાલભાઈના મૃત્યુથી તેમના બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે પરિવાર નોંધારો બન્યો છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પરિવારે માંગ કરી છે કે જવાબદાર તમામ વ્યાજખોરો સામે કડક કાયદાકીય રાહે કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ ખેડૂત આવું આત્મઘાતી પગલું ન ભરે.

