Video: Surendranagar માં ખનિજ માફિયાઓ પર તવાઈ, સફેદ માટીની ચોરી ઝડપાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ ફરી એકવાર ખાણ-ખનિજ વિભાગની ઝપટમાં આવ્યા છે. જિલ્લામાં ખનિજ ચોરીની ગતિવિધિઓ સતત વધી રહી છે, જેમાં હવે સફેદ માટી (white clay)નું ગેરકાયદેસર ખનન થતું હોવાનો પર્દાફાશ થયો છે.
તાજેતરમાં, સુરેન્દ્રનગરમાં કાર્બોસેલની ચોરીના દરોડા બાદ, હવે ખનિજ માફિયાઓએ પોતાનું ધ્યાન સફેદ માટી તરફ વાળ્યું છે. ખાણ-ખનિજ વિભાગની ટીમે મોરથળા નજીકના વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ સ્થળ મોરબી જિલ્લાની બોર્ડર નજીક જ આવેલું હોવાથી, માફિયાઓ આ વિસ્તારનો ગેરકાયદેસર ખોદકામ માટે ઉપયોગ કરી રહ્યા હતા.
આ ઓપરેશન દરમિયાન, ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા મશીનો જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે પ્લાન્ટ પણ ઊભા કરવામાં આવ્યા હોવાનો ધડાકો થયો છે, જે દર્શાવે છે કે આ ચોરી મોટા પાયે આયોજનપૂર્વક ચાલી રહી હતી.
વિભાગે સ્થળ પરથી ₹ 70 લાખથી વધુની ખનિજ સંપત્તિ જપ્ત કરી છે. ખાણ-ખનિજ વિભાગે આ દરોડા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

