લીંબડીમાં 56 તોલા સોનાના બિસ્કિટની ચોરીનો ભેદ ઉકેલાયો, મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ

સુરેન્દ્રનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને લીંબડીમાં થયેલી 56 તોલા સોનાના બિસ્કિટની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં ચાર ઈસમો અને એક મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ.85 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રૂ.83 લાખની કિંમતના સોનાના બિસ્કિટનો પણ સમાવેશ થાય છે.
મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ
મળતી માહિતી મુજબ, લીંબડીની રામદર્શન સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાં થોડા સમય અગાઉ ચોરીની ઘટના બની હતી. મકાનમાંથી મોટી માત્રામાં સોનાની ચોરી થતાં પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ મળી હતી અને ચોરીમાં મકાન માલિકના ત્યાં નોકર તરીકે ફરજ બજાવતા ઈસમોની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને ચાર આરોપીઓ અને એક મહિલાને ઝડપી પાડ્યા હતા.
લોકલ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
પોલીસે આરોપીઓ પાસેથી 56 તોલા જેટલા સોનાના બિસ્કિટ, જેની કિંમત આશરે રૂ.83 લાખ હોવાનું જાણવા મળ્યું છે, તે સહિત કુલ રૂ.85 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીની ઘટના બાદ પરિવારજનો ત્રણ મહિના સુધી પોલીસની કાર્યવાહી અને પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન મામલો ઉકેલાવવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આખરે લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે પકડાયેલા તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે લીંબડી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

