Surendranagar/ મનપામાં હલ્લાબોલ: 3 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓના કમિશનર કચેરી બહાર ધરણા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત રહેતા આજે તેમનો રોષ ફાટી નીકળ્યો હતો. પગાર ન મળવાને કારણે આર્થિક સંકડામણમાં મુકાયેલા કર્મચારીઓ આજે મોટી સંખ્યામાં કમિશનરની કચેરી બહાર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વ્યાજે નાણાં લઈને ઘર ચલાવવા મજબૂર
પવડી બગીચા સહિતની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા આ કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ મહિનાથી તેમને વેતન મળ્યું નથી. મોંઘવારીના જમાનામાં રસોડું ચલાવવું મુશ્કેલ બન્યું છે અને કર્મચારીઓ વ્યાજે રૂપિયા લાવીને ઘર ચલાવવા મજબૂર બન્યા છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આક્રોશ
કર્મચારીઓએ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પગાર ન થતા આખરે કર્મચારીઓએ મહાનગરપાલિકા સામે બાંયો ચડાવી છે. કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો વહેલી તકે પગાર ચૂકવવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

