સુરેન્દ્રનગરમાં AAPમાં મોટું ભંગાણ: રાજુ કરપડાના સમર્થનમાં 200થી વધુ કાર્યકરોના રાજીનામા

Surendranagar AAP Crisis: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ બાદ હવે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. પક્ષના નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ હવે તેમના સમર્થનમાં થાન, મૂળી અને ચોટીલા વિસ્તારના 200થી વધુ સક્રિય કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દેતા આપમાં મોટું ભંગાણ સર્જાયું છે.
ગઢાદ ગામે યોજાયું શક્તિ પ્રદર્શન
સુરેન્દ્રનગરના ગઢાદ ગામે આજે 'ખેડૂત ક્રાંતિ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન એક પ્રકારે રાજુ કરપડાનું શક્તિ પ્રદર્શન બની રહ્યું હતું. આ સંમેલન દરમિયાન જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને પક્ષ સામે પોતાનો રોષ વ્યક્ત કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. કાર્યકરોનું માનવું છે કે પક્ષમાં જે રીતે અવગણના થઈ રહી છે તેનાથી નારાજ થઈને તેઓએ આ નિર્ણય લીધો છે.
ડેમેજ કન્ટ્રોલ કરવામાં આપ નિષ્ફળ
છેલ્લા કેટલાક સમયથી રાજુ કરપડા અને પક્ષ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને ખાળવામાં આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજુ કરપડાના રાજીનામા બાદ પક્ષમાં ભંગાણ રોકવા માટે કોઈ મજબૂત પ્રયાસો દેખાયા નથી, જેના પરિણામે આજે 200થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે. ચોટીલા સહિતના પંથકમાં આપની મજબૂત પકડ ગણાતી હતી, પરંતુ આ સામૂહિક રાજીનામા બાદ હવે પક્ષ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.

