Surendranagar / BPCLની પાઇપલાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જંત્રીના ૪ ગણા વળતરની માગ સાથે કામ અટકાવ્યું

સુરેન્દ્રનગરના ખેડૂતોએ BPCLની પાઇપલાઇન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પૂરતું વળતર અને વચન મુજબનું માટીકામ ન થતું હવાના આક્ષેપ સામે વિરોધ નોંધાવતા પાઈપલાઈન નાખવાનું કામ અટવાયું છે. વળતર, માટીકામ અને પાક નુકસાનીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પાઇપલાઇનનું કામ નહીં થવા દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
BPCLની પાઇપલાઇન સામે ખેડૂતો મેદાને
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ધર્મેન્દ્રગઢ, ઉમરડા અને ચોરવીરા ગામના ખેડૂતોએ BPCLની પાઇપલાઇન સામે મોરચો ખોલ્યો છે. ઉગ્ર વિરોધને પગલે 3 ગામની આશરે 100 વીઘા જેટલી જમીનમાં પાઈપલાઈનનું કામ ખોરંભે ચડ્યું છે. પૂરતું વળતર, વચન મુજબનું માટીકામ અને પાક નુકસાનીનો ખેડૂતોએ મુદ્દો ઉઠાવ્યો છે.
જંત્રીના 4 ગણા વળતરની ખેડૂતોની માગ
ખેડૂતોનું કહેવું છે કે, એક ચોરસ મીટર જમીનના માત્ર રૂ.12 ચૂકવવામાં આવી રહ્યા છે. જ્યાંથી પાઈપલાઈન પસાર થાય છે ત્યાં 5 વર્ષ સુધી પાક ન થવાથી નુકસાનીનો પણ પ્રશ્ન છે. વધુમાં તેમણે ઉમેર્યું કે અમે જંત્રીના 4 ગણા વળતરની માગ સાથે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને વારંવાર રજૂઆત કરી છે તેમ છતા કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે વળતર, માટીકામ અને પાક નુકસાનીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પાઇપલાઇનનું કામ નહીં થવા દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.







