VIDEO: અલ્પેશ ઠાકોર અને રમેશ ઠાકોરનો વિખવાદ ચરમસીમાએ, પાટડીમાં 8 તારીખે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન
સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજના બે મુખ્ય નેતાઓ રમેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચેનો આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે,મળતા અહેવાલ પ્રમાણે બન્ને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચતા વિવાદ વધુ વકર્યો છે. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. તાજેતરમાં RKTSના રમેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર સમાજ સાથે ગદ્દારી કરવાનો ગંભીર આક્ષેપ લગાવતા વિવાદ વકર્યો હતો.
અલ્પેશ ઠાકોરે કહ્યું હું સમાજના દર્શન કરવા પાટડી આવી રહ્યો છું
આ આકરા પ્રહારોનો જવાબ આપવા હવે અલ્પેશ ઠાકોર પોતે મેદાને ઉતર્યા છે અને આગામી 8 ફેબ્રુઆરીએ પાટડી ખાતે વ્યસનમુક્તિ અને 'બંધારણ સભા'નું આયોજન કર્યું છે. અલ્પેશ ઠાકોરે હું સમાજના દર્શન કરવા પાટડી આવી રહ્યો છું, તેમ જણાવીને શક્તિપ્રદર્શનના સંકેત આપ્યા છે, જેને પગલે બંને નેતાઓ સામસામે આવી જતાં ઠાકોર સમાજમાં અંદરો-અંદર ખેંચતાણ વધવાની શક્યતા જોવા મળી રહી છે.
માત્ર દસ હજાર લોકો જ આવતા સમાજની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું
બે દિવસ અગાઉ રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ માત્ર કલાકારના જોરે ભીડ ભેગી કરે છે. તો બીજી તરફ બે લાખની મેદનીના દાવા સામે માત્ર દસ હજાર લોકો જ આવતા સમાજની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. વેલાવડામાં પોલીસ દ્વારા સમાજ પર કરાયેલા અત્યાચારના મુદ્દે યોજાયેલી આ બેઠકમાં રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા સામે પણ રોષ ઠાલવવામાં આવ્યો હતો. અંતે, સમાજના હક અને ન્યાય માટે આગામી સમયમાં કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

