Surendranagar news: સાયલા-લીંબડી હાઈવે પર બેફામ ડમ્પરે ટેમ્પાને અડફેટે લેતા 1નું મોત, 13થી વધુ ઈજાગ્રસ્ત

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-લીંબડી હાઈવે પર આજે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં મજૂરોને લઈ જતા માલવાહક ટેમ્પાને હાઈવે પર બેફામ જતા ડમ્પરે અડફેટે લેતા ટેમ્પો રોડ વચ્ચે ઉંધો વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે એક વ્યકિતનું મોત થયું હતું જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઘાયલોને સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 3 ગંભીર લોકોને સુરેન્દ્રનગર ખસેડવા પડયા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારનો દિવસ માર્ગ અકસ્માતને લઈ ગોઝારો બન્યો હતો. સાયલા-લીંબડી હાઈવે પર આવેલા ફૂલગામ નજીક દાહોદના ધાનપુરથી મૂળી બાજુ મજૂરીકામે માલવાહક ટેમ્પામાં જતી વખતે રોડ પર સાક્ષાત મોત બનીને ફરતા ડમ્પરે ટેમ્પાને ટક્કર મારી હતી. જેથી માલવાહકમાં રહેલા મજૂરો નીચે પટકાયા હતા અને ટેમ્પો ઘટનાસ્થળે ઉંધો વળી ગયો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, એક વ્યકિતનું મોત ઘટનાસ્થળે થયું હતું. જ્યારે અન્ય 13 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને તાબડતોબ 108ની મારફતે સાયલાની સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. અકસ્માત સર્જી ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગેની જાણ થતા પોલીસ અને 108ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નાના બાળક સહિત 3 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આટલું ઓછું હોય તેમ અકસ્માતના પીડિતોને હોસ્પિટલ સ્ટાફ દ્વારા મદદમાં આવેલા સ્થાનિક લોકો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. વધુ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.

