Adani Group: અદાણી ગૃપના માર્કેટ કેપમાં 69,000 કરોડનો જોરદાર વધારો, એક જ દિવસમાં રોકાણકારો થયા માલામાલ

Adani Group: માર્કેટ નિયામક સેબી(SEBI) તરફથી મળેલી ક્લિનચીટ બાદ અદાણી ગૃપની તમામ કંપનીઓના શેર્સમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી. આ કારણથી અદાણી ગૃપની કંપનીના માર્કેટ કેપમાં 69,000 કરોડ રૂપિયા કરતાં વધારો નોંધાયો. જેનાથી રોકાણકારોની સંપત્તિ એક જ દિવસમાં જોરદાર ઉછાળાની સાથે ઘણી ઉપર પહોંચી ગઈ. મૂડી બજાર નિયામક સેબીએ અમેરિકી ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અદાણી ગૃપ અને ચેના ચેરમેન ગૌતમ અદાણીને ક્લિનચિટ આપી છે. આ પોઝિટિવ ઘટનાક્રમને ગૃપની તમામ કંપનીની શેર્સ પર અનુકૂળ અસર જોવા મળી હતી.
અદાણી પાવરના શેર 12.40 ટકાના વધારા સાથે બંધ થયા
શેરબજારના ડેટા અનુસાર, શુક્રવારે અદાણી પાવર 12.40 ટકાના વધારા સાથે ટોચ પર રહ્યો. ટ્રેડિંગ દરમિયાન તેનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યો. અદાણી ટોટલ ગૅસ 7.35 ટકા, અદાણી ગ્રીન એનર્જી 5.33 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ 5.04 ટકા વધ્યો.અદાણી એનર્જી સોલ્યુશન્સ પણ 4.70 ટકા વધ્યા. વધુમાં, સાંઘી ઈન્ડસ્ટ્રીઝ 1.41 ટકા, એસીસી 1.21 ટકા, અદાણી પોર્ટ્સ 1.09 ટકા અને અંબુજા સિમેન્ટ્સ 0.28 ટકા વધ્યા.
ગૃપનું માર્કેટ કેપ રૂપિયા 13.96 લાખ કરોડ સુધી પહોંચ્યું
આ વ્યાપક તેજીના પરિણામે અદાણી ગૃપની બધી કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપ રૂપિયા 13.96 લાખ કરોડ સુધી પહોંચી ગયું. આમ, ગૃપનું માર્કેટ કેપ એક જ દિવસમાં રૂપિયા 69,૦૦૦ કરોડથી વધુ વધ્યું. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીની અદાણી પાવર પરની ભલામણે પણ
રોકાણકારોની ભાવના પર સકારાત્મક અસર કરી. સ્થાનિક બ્રોકરેજ ફર્મ બજાજ બ્રોકિંગ રિસર્ચે જણાવ્યું હતું કે, "સેબીએ હિન્ડનબર્ગ તપાસમાં ગ્રુપને ક્લિચિટ આપ્યા પછી અદાણી ગૃપના શેરમાં ઉછાળો આવ્યો હતો. આનાથી ગૃપમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો છે, જેના કારણે ગૃપની કંપનીઓમાં ખરીદીનો રસ મજબૂત બન્યો છે."
જાન્યુઆરી 2023માં હિંડનબર્ગે અદાણી પર ગંભીર આરોપ મૂક્યા હતા
બંધ પડેલી રોકાણ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં અદાણી ગૃપ પર શેર્સ હેરાફેરી કરવા અને સંબંધિત પક્ષોની લેવડ-દેવડમાં ગરબડનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો પછી અદાણી જૂથની કંપનીઓના માર્કેટ કેપમાં આશરે 150 અબડ ડોલર સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

