મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

દિવાળીએ મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં ₹4.45નો વધારો, અમદાવાદમાં પ્રતિ કિલો ₹98.47

દિવાળીએ મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં ₹4.45નો વધારો, અમદાવાદમાં પ્રતિ કિલો ₹98.47
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ: દિવાળી નજીક આવતાં જ અમદાવાદના વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ (Adani Gas) દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો મોટો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ પ્રતિ કિલો ₹98.47 પર પહોંચી ગયો છે. તહેવારો દરમિયાન ખરીદી અને મુસાફરીનું આયોજન કરી રહેલા લોકો માટે આ ભાવવધારો વધારાનો આર્થિક બોજ બની શકે છે. ખાસ કરીને રોજની કમાણી પર નિર્ભર રિક્ષાચાલકો અને CNG વાહનચાલકોને તેની સીધી અસર થશે.

CNGનો ભાવ ₹98.47 પર પહોંચ્યો

અમદાવાદમાં ઓગસ્ટ 2026માં પણ અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગેસનો ભાવ ₹94.20 થયો હતો. હવે ફરી એકવાર પ્રતિ કિલો ₹4.45નો વધારો ઝીંકવામાં આવતાં CNGનો નવો ભાવ ₹98.47 પર પહોંચી ગયો છે. વારંવાર વધી રહેલા ભાવને કારણે વાહનચાલકોના દૈનિક ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.

રિક્ષાચાલકોની રોજીરોટી પર વધશે બોજ

CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે રિક્ષાચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે ગેસના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ તેની સરખામણીએ વાહન વ્યવહાર કમિશનર દ્વારા રિક્ષાભાડામાં પૂરતો વધારો મંજૂર કરવામાં આવતો નથી. પરિણામે ઇંધણ પાછળનો ખર્ચ વધે છે, જ્યારે આવકમાં તે પ્રમાણે વધારો થતો નથી. આ સ્થિતિમાં રોજિંદા ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવું વધુ મુશ્કેલ બની શકે છે.

દિવાળીના સમયે જ ભાવવધારાથી બજેટ ખોરવાશે

અગાઉ પણ રિક્ષાભાડામાં વધારો કરવાની માગ અને ઓનલાઈન કેબ-રિક્ષા એપ્લિકેશનોના વિરોધમાં રિક્ષાચાલકોએ હડતાળ સહિતનાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. હવે દિવાળીના તહેવાર નજીક જ CNGના ભાવમાં થયેલા નવા વધારાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. બીજી તરફ, CNGથી ચાલતાં ખાનગી વાહનોનો ઉપયોગ કરતા લોકોને પણ હવે ઇંધણ માટે વધુ નાણાં ખર્ચવા પડશે. તહેવારોમાં વધતા ખર્ચ વચ્ચે આ ભાવવધારો સામાન્ય પરિવારોના બજેટને અસર કરી શકે છે.

આ સમાચાર શેર કરો