Surat news: ક્રિકેટ રમતા રમતા યુવકનું હૃદય બંધ પડી ગયું, આશાસ્પદ બેન્કકર્મીના મોતથી શોકનો માહોલ

સોર્સ : GSTV
કોરોનાકાળ પછી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. ડાન્સ કરતા કે ક્રિકેટ રમતા રમતા અચાનક યુવાઓના હૃદય બંધ પડી જવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે. ડિંડોલીના નવાગામે ક્રિકેટ રમ્યા બાદ યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે.
મેહુલ પટેલ નામનો યુવક પોતાના મિત્રો સાથે ઘરની બાજુમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમી રહ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક મેહુલ પટેલ બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા અને તેઓ સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી સતીશ પટેલના પુત્ર હતા. મેહુલ પટેલના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

