VIDEO: સુરતઃ કતારના રાસ લફાનના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ સુરતનો યુવાન રહસ્યમય રીતે થયો ગુમ
સોર્સ : GSTV
કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાન ના LNG પ્રોડક્શન હબમાં રવિવારે સાંજે થયેલા ભયાનક વિસ્ફોટ બાદ સુરતનો એક યુવાન છેલ્લા ૨૪ કલાકથી વધુ સમયથી લાપતા થતાં દક્ષિણ ગુજરાતમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. સુરતનો વતની અને કતારની સ્ટેક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો સની ચંપકભાઈ પટેલ બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં નાઇટ ડ્યુટી પર તૈનાત હતો. હંમેશ મુજબ પત્નીને 'હું નોકરી પર નીકળું છું' તેવો છેલ્લો ફોન કરીને ગયેલા સનીનો દુર્ઘટના બાદથી પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેથી તેના ઘરમાં રડારોળ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મેન્ટેનન્સ બાદ કામ ફરી શરૂ કરતી વખતે થયેલા આ ટેકનિકલ અકસ્માતમાં ૧૨ ભારતીયો સહિત કુલ ૧૩ લોકોના મોત થયા છે અને ૬૬ લોકો ઘાયલ થયા છે, ત્યારે સનીની કોઈ ભાળ ન મળતા તેના સ્નેહીજનો ભારે ચિંતામાં મુકાયા છે.

