Video/ Surat સાયબર ક્રાઇમનો સપાટો: લોન-નોકરીના નામે ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ પાસા હેઠળ જેલ ભેગો
સુરત શહેરમાં લોન અને નોકરી અપાવવાના બહાને નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી આચરતી ગેંગ વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમ સેલે લાલ આંખ કરી છે. આ આંતરરાજ્ય ઠગાઈના નેટવર્કના માસ્ટરમાઈન્ડ નિતેશ ખવાણી વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને ભુજની સ્પેશિયલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
ડમી કોલ સેન્ટરના નેટવર્કનો પર્દાફાશ
ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા 'સ્વસ્તિક યુનિવર્સલ'માં ચાલતા એક મોટા ડમી કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કોલ સેન્ટર દ્વારા આંતરરાજ્ય સ્તરે લોન અને આકર્ષક નોકરીની લાલચ આપીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા.
માસ્ટરમાઈન્ડ વિરુદ્ધ કડક પગલાં
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નિતેશ ખવાણી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ હવે તેના વિરુદ્ધ 'પાસા' હેઠળની દરખાસ્ત મંજૂર થતા, તેને કડક સુરક્ષા વચ્ચે ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. સુરત પોલીસની આ કાર્યવાહીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

