હોટફિક્સ કચરા મુદ્દે સુરત મનપાને ધારાસભ્ય કાનાણીની અપીલ, કહ્યું- 'યુનિટો સીલ કરવાને બદલે ઉકેલ લાવો'

સુરતમાં હોટફિક્સ યુનિટોમાંથી નીકળતા કચરાના નિકાલ મુદ્દે પાલિકાની નોટિસ અને સીલની કાર્યવાહી વચ્ચે હવે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પાલિકા તંત્રને પત્ર લખી કચરો ઉઠાવવાની વ્યવસ્થા કરવા માંગ કરી છે. સમસ્યાનો ઉકેલ યુનિટોને સીલ કરવાનો નહીં પરંતુ હોટફિક્સ વેસ્ટના નિયમિત અને વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થા ઊભી કરવાનો છે. અગાઉ વિપક્ષ ‘આપ’ દ્વારા પણ કચરાના નિકાલને બદલે રોજગારી બંધ કરાવવાની કાર્યવાહી સામે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. કાનાણીએ ડોર-ટુ-ડોર અથવા ખાસ વેસ્ટ કલેક્શન વાહન મારફતે હોટફિક્સ કચરો એકત્ર કરવાની નીતિ બનાવવા તથા કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા પાલિકા કમિશનરને રજૂઆત કરી છે.
સુરતમાં હાલ હોટ ફિક્સના કચરાનો નિકાલ પાલિકા માટે માથાનો દુખાવો બની ગયો છે. વિપક્ષે મેયરના ઘરે કચરો ઠાલવ્યા બાદ પાલિકાએ આક્રમક વલણ અપનાવી 1500થી વધુ યુનિટને નોટિસ આપી છે અને સીલીંગની કામગીરી માટે કવાયત કરી છે. આ મુદ્દે વિપક્ષે યુનિટ બંધ કરાવવાના બદલે કચરાના નિકાલની માંગણી કરી છે. હવે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિ.કમિશ્નરને હોટ ફિક્સના કચરાના નિકાલ અંગે પત્ર લખ્યો છે.
કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે સુરતની અનેક સોસાયટીઓમાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા હોટફિક્સ મશીનો ચાલે છે અને તેમાંથી પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ નીકળે છે. પાલિકા દ્વારા આ વેસ્ટ નિયમિત રીતે લેવામાં આવતો ન હોવાથી કેટલાક એકમો દ્વારા કચરો જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવે છે. આ કારણે ગંદકીના ઢગલા સર્જાવા ઉપરાંત વેસ્ટ સળગાવવાથી પ્રદૂષણ ફેલાવાની સમસ્યા પણ ઊભી થાય છે. આ પરિસ્થિતિમાં પાલિકા દ્વારા નોટિસ આપી યુનિટોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, કાનાણીએ યુનિટો સીલ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તેમ જણાવી કચરો એકત્ર કરવાની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. હોટફિક્સ વેસ્ટ માટે અલગ કલેક્શન વાહન અથવા ડોર-ટુ-ડોર વ્યવસ્થા કરવામાં આવે તો જાહેરમાં કચરો ફેંકવાની સ્થિતિ અટકાવી શકાય અને શહેરની સ્વચ્છતા પણ જળવાઈ રહે. સાથે જ નાના એકમો સાથે સંકળાયેલી રોજગારીને અસર ન થાય તે માટે કચરાના વૈજ્ઞાનિક નિકાલની કાયમી નીતિ બનાવવાની માંગ કરવામાં આવી છે.

