સુરતમાં સ્કૂલ બેગમાં ભરી ઘુસાડાતો હાઈબ્રીડ ગાંજો, મુંબઈથી 30 લાખના મુદ્દામાલ લાવ્યો હતો યુવક

નશાનો કારોબાર ચલાવનારા સામે સરત પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે મુંબઈથી હાઈબ્રિડ ગાંજો ઘૂસાડવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 23 વર્ષીય યુવકની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. યુવક પાસેથી 998 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાને સ્કૂલબેગમાં સંતાડીને સુરતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હાલ તો સારોલી પોલીસ દ્વારા 30 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
998 ગ્રામ ગાંજો
નિયોલ ચેક પોસ્ટ ખાતે હાજર પોલીસકર્મીને બાતમી મળી હતી કે, હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે. જેથી, નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ ચાર રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક કડોદરા-સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી. સારોલી પોલીસે બાતમી આધારે આરોપી કેનીલ સુભાષભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સ્કૂલબેગમાંથી માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજો જેનુ કુલ વજન 998 ગ્રામ જેની કુલ કિં.રૂ. 29.94 લાખનો મળી આવ્યો હતો. હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનીલ પટેલની ધરપકડ કરવામા આવી છે.
સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ
આ હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા શખ્સ અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હીતેષભાઇ સોનીનાઓને બંન્નેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.સારોલી પોલીસ દ્વારા 29.94 લાખનો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, 10000નો એક મોબાઈલ ફોન મળી કુલ 30.04 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘૂસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ખેલમાં કોણ-કોણ સામેલ છે? તે અંગે પણ વધુ તપાસ સારોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

