Surat news: મહિલા RFO ને માથામાં ગોળી વાગતા હાલત નાજુક, બે દિવસ અગાઉ અજાણ્યા ઇસમોએ કારમાં GPS લગાડ્યું હતું

સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, ગોળી કઈ રીતે અને કયા સંજોગોમાં વાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
વન વિભાગના અધિકારીને માથામાં વાગી ગોળી
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મગજમાં ગોળી વાગતાં ઓપરેશન કરીને તેને બહાર કાઢવામાં આવી છે. હાલ RFO સોનલની હાલત ગંભીર હોવાનું જણાય છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા RFO સોનલે તેમની કારમાંથી મળી આવેલા GPS ટ્રેકર મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા શખ્સોએ સોનલબેનની કારમાં જીપીએસ લગાડ્યું હતું. RFO સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

