Surat: BLO શિક્ષકો માનસિક ત્રાસનો ભોગ બન્યા, રાત્રે કામગીરીનું દબાણ, ટાર્ગેટ પૂરા ન થતાં સસ્પેન્ડ કરવાની ચીમકી

ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને ઉપરી અધિકારીઓ દ્વારા અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના ગંભીર અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને રાત્રીના સમયે પણ કામગીરીનું દબાણ અને ટાર્ગેટ પૂરા ન થતાં સસ્પેન્ડ કરવાની ચીમકીઓથી BLO શિક્ષકો ભારે રોષમાં છે.
BLO શિક્ષકોને રાત્રિના સમયે કલેક્ટર દ્વારા સેક્ટર અને AERO (આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર) સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા બાદ સેક્ટર અધિકારીઓ દ્વારા રાત્રે BLO પર દબાણ વધારવામાં આવે છે. BLO શિક્ષકોને રાત્રે 10 વાગ્યા સુધીમાં 30 ફોર્મ લાવીને તાત્કાલિક ઓનલાઇન સબમિટ કરવા માટે આદેશ આપવામાં આવે છે. મહિલા BLO શિક્ષકોને રાત્રી દરમિયાન પણ કામગીરીમાં જોડાવા માટે દબાણ કરવામાં આવે છે.
સોસાયટીઓમાં સર્વે માટે જતાં લોકો પૂરતો સહયોગ આપતા નથી. આ કારણે ટાર્ગેટ પૂરો કરવો મુશ્કેલ બને છે. જો ટાર્ગેટ પૂર્ણ કરવામાં નહીં આવે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે તેવી સીધી ચીમકી આપવામાં આવી રહી છે. આવા દબાણથી BLO શિક્ષકોને ખુબ જ માનસિક ત્રાસ વેઠવો પડી રહ્યો છે. ત્યારે BLO શિક્ષક દ્વારા પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી છે.
આ મામલે BLO શિક્ષકોએ તેમની રજૂઆત શિક્ષક સંઘના પ્રમુખોને પણ કરી છે. શિક્ષક સંઘના પ્રમુખો દ્વારા અનેક વખત કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરીને BLO કામગીરીમાંથી શિક્ષકોને રાત્રિ દરમિયાન મુક્ત કરવા માટેની માંગ કરી છે

