ઉધનાની સિટીઝન કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી બાદ બબાલ, બે વિદ્યાર્થીઓ પર ચપ્પુથી હુમલો

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી દરમિયાન થયેલી બબાલે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગત 8 ઓગસ્ટે યોજાયેલી પાર્ટીમાં ડાન્સ દરમિયાન બે વિદ્યાર્થીઓને ધક્કો લાગ્યા બાદ બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે હરીફ જૂથે બહારથી માથાભારે શખ્સોની ટોળકી બોલાવી હોવાનો આક્ષેપ છે.
પાર્ટી પૂર્ણ થયા બાદ કોલેજના ગેટ પાસે બંને વિદ્યાર્થીઓને આંતરી તેમના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે કોલેજ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ઉધના પોલીસ અને કોલેજ પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બંને હુમલાખોરો સગીર હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હુમલામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

