Surat News: 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ, 88 દિવસમાં 200 સાક્ષીઓના લેવાયા નિવેદન

ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં ધાડ લૂંટની જગ્યા સાયબર ફ્રોડે લીધી છે. ત્યારે સુરતમાંથી થયેલા 1550 કરોડના સાયબર ફ્રોડમાં 88 દિવસની તપાસ બાદ 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ગુનેગારોના રેકેટને બહાર લાવવાની સાથોસાથ કાયદાકીય ક્ષેત્રે પણ એક નવો ઈતિહાસ રચ્યો છે. આ ચાર્જશીટ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાર્જશીટ છે.
કરોડોનો સાયબર ફ્રોડ ખુલ્યો
કેસની શરુઆત વાહન ચેકિંગથી થઈ હતી. પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહનચાલક પર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. જોકે, આ તપાસ દરમિયાન વાહનચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જેના કારણે પોલીસની શંકા વાહનચાલક પર વધી. જ્યારે આ ડોક્યુમેન્ટ્સ અને વાહનચાલકની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો પોલીસને કરોડોનો સાયબર ફ્રોડ ચાલી રહ્યો હોવાની કડી મળી, જે જાણીને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી.
પોલીસે રાત દિવસ એક કર્યા
સમગ્ર ફ્રોડમાં ચાર્જશીટ દાખલ કરવા માટે ઉધના પોલીસે 88 દિવસ સુધી રાત-દિવસ મહેનત કરી હતી. અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો, બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સહિત 200 જેટલા લોકોની પૂછપરછ કરી નિવેદનો નોંધાયા હતા. પોલીસે આ તપાસ દરમિયાન એકત્રિત કરેલા પુરાવાઓ, ટેક્નિકલ વિશ્લેષણ અને નિવેદનોના આધારે 1.50 લાખ પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી. જોકે, આ ચાર્જશીટમાં મહત્વની વાત આ છે કે, મુખ્ય ચાર્જશીટ ફક્ત 18 હજાર પાનાની જ છે. બાકીના તમામ પેઈજમાં RBL,YES બેન્ક અને એક્સિસ બેન્ક સહિત અલગ-અલગ બેંકના સ્ટેટમેન્ટ તથા 165 એકાઉન્ટમાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શન્સની વિગતોને આવરી લેવામાં આવી છે.

