Video: વાત્સલ્ય ધામમાં શરદપૂર્ણિમાએ જામ્યો ગરબાનો રંગ

વિરમગામ તાલુકાના કાલિયાણા ગામે આવેલ વાત્સલ્ય ધામ ખાતે ૨૪ ઓક્ટોબરના રોજ શરદપૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં સ્થાનિક ગામના બાળકો, મહિલાઓ, વડીલો અને પુરુષો ઉપરાંત અમદાવાદથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શરદ પૂનમના પર્વના અનુલક્ષીને તમામ ભક્તો માટે પરંપરાગત પ્રસાદ રૂપે દૂધ-પૌંઆ અને અલ્પહાર તથા નાસ્તાનું પણ વિશેષ આયોજન કરાયું હતું. આજના ભાગદોડ ભરેલા અને તણાવપૂર્ણ જીવનમાં આવા આયોજનોથી લોકોને આત્મશાંતિ મળવાની સાથે ભગવાનની ભક્તિ કરવાનો અનેરો લહાવો પ્રાપ્ત થાય છે. આવા ઉત્સવો આપણી નવી પેઢીને હિંદુ ધર્મના મહાન મૂલ્યો અને સંસ્કૃતિ સમજાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સમગ્ર કાલિયાણા ગામ ધામધૂમપૂર્વક આયોજિત આ ભવ્ય ગરબાના તાલ અને ભક્તિમય માહોલમાં લીન થઈ ગયું હતું.








