સુરતમાં વનવિભાગે દેવાળું ફૂંક્યુ, દીપડાને પકડવા માટે ગોઠવ્યા મારણ વગરના પાંજરા
સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને જુદા જુદા ગામોમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય રીતે રોજે રોજ પ્રકાશમાં આવે

સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને જુદા જુદા ગામોમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય રીતે રોજે રોજ પ્રકાશમાં આવે છે. પરંતુ, છેલ્લા પંદર દિવસથી ભાઠા ગામના નવા મહોલ્લામાં દીપડો દેખાઇ રહ્યો છે. જેના કારણે ભય ફેલાતા ગ્રામજનો આખી રાતના ઉજાગરા કરી રહ્યા છે. બીજી તરફ વનવિભાગે મૂકેલા પાંજરામાં બકરા-મરધાં કે કોઈ શિકાર મૂક્યા વગરના પાંજરા ગોઠવતાં છેલ્લા પાંચ દિવસથી દીપડો પકડાતો નથી.
પંજાના નિશાન દેખાયા
છેલ્લા પંદર દિવસથી ગામમાં અનેક લોકોએ દીપડાને જોયો છે. કેટલીક જગ્યા પર જે પંજાના નિશાન દેખાઇ રહ્યાં છે તે સ્વાભાવિક રીતે જ કૂતરાના નહીં પરંતુ કોઇ કદાવર પ્રાણીના હોય તે પ્રકારના છે.ગામના અનેક લોકોએ દીપડાને જોયો છે. ખાસ કરીને અંધારૂ થયા પછી જ તે ખેતરોની બહાર નીકળે છે અને ફરીથી ખેતરોમાં જ ગાયબ થઇ જાય છે. તેમના ખેતરમાં પહેલા ચાર કૂતરા હતા જે તમામ ગાયબ છે એટલે તેને દીપડાએ શિકાર બનાવ્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
પાંજરા ખાલી ખમ
ભાઠા ગામના રહીશે કહ્યું કે, ઘણા સમયથી આ ગામના રસ્તા પર વારંવાર દેખાયો હતો. જંગલી પ્રાણી હોવાને લઈને અમે અનુમાન દીપડો હોવાનું વ્યક્ત કરતાં હતાં. પંજાના નિશાન દેખાયા હતાં. પાંચથી છ દિવસથી દીપડાની કોઈ ચર્ચા થઈ નથી. હજીરા મેઈન રોડ પર પાંચેક દિવસ અગાઉ દીપડો દેખાયો હતો. અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. અમારી સાથે ચર્ચા કરી હતી. પૂછપરછ કરી હતી. દીપડો જોયો હોય તેમને પણ મળ્યા હતાં. પાંજરામાં મરઘી મૂકેલી તે નોળિયાએ મારી નાખી હતી.






