Video: Himmatnagarના અત્રી ગ્રીન્સમાં પરંપરાગત ગરબાનું આયોજન, સાંસ્કૃતિક વારસો ટકાવી રાખવા પ્રયાસ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રીની ધૂમ વ્યાપી છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના પીપળી કંપા નજીક આવેલા અત્રી ગ્રીન્સ સોસાયટીમાં સાંસ્કૃતિક પરંપરા અંતર્ગત ગરબા રમાય છે તેમજ સાંસ્કૃતિક વારસો ટકાવી રાખવા સહિત પરંપરાગત ગરબાનું વિશિષ્ટ આયોજન કરાયું છે.
પરંપરાગત નવરાત્રી દિન પ્રતિદિન ભુલાતી જઈ રહી છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના પીપળી કંપા નજીક આવેલા અત્રી ગ્રીન્સ સોસાયટીમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું વિશિષ્ટ પ્રયાસ હાથ ધરાયો છે. જે અંતર્ગત પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી કરાય છે. તેમજ જગત જનની મા જગદંબાની આરાધના માટે નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
આજે ભારતીય ગરબા ભુલાતા જઈ રહ્યા છે ત્યારે હાલના તબક્કે પાર્ટી પ્લોટ કલ્ચરના પગલે નવરાત્રીમાં ભક્તિ તેમજ શક્તિ મેળવવાનો અનેરો અવસર હવે માત્ર નાચગાન પૂરતો બની રહ્યો છે. ત્યારે હિંમતનગરના અત્રિ ગ્રીનમાં ભારતીય ગરબા પ્રાચીન નવરાત્રીની ઝાંખી કરાવી આપે છે. હાલના તબક્કે વિવિધ નાત-જાત અને ધર્મ સંપ્રદાયના વાળાઓ વધી રહ્યા છે ત્યારે અત્રિ ગ્રીનમાં એક પરિવારની જેમ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. જેના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓ પણ તેનો વિશેષ લાભ ઉઠાવી રહ્યા છે. આજની યુવા પેઢી હિન્દી ગરબા સહિત માત્ર મનોરંજન માટે જ ગરબે ઘૂમે છે. ત્યારે અહીંયા પરંપરાગત ચંપલ પહેર્યા વગર તેમજ તાલ બંધ નાની દીકરીઓ મહિલાઓ યુવાનો સહિત વૃદ્ધો પણ પરંપરાગત માતાજીની આરાધના કરે છે. માતાજીના ચોકમાં દીવા સાથે ખપરની જ્યોત સળગાવવામાં આવે છે તેમજ યુવાનો અને મહિલાઓ માટે વિશેષ પ્રોત્સાહન ઇનામો પણ અપાય છે. આયોજકો દ્વારા નિશુલ્ક નાસ્તાની પણ વ્યવસ્થા કરાય છે. ખેલૈયાઓ માટે અત્રિ ગ્રીનમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નવરાત્રીના આયોજનના પગલે ખેલૈયાઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.
જોકે હાલના તબક્કે સાબરકાંઠા સહિત સમગ્ર દેશભરમાં ડીજેના તાલ થકી નવરાત્રીનું આયોજન થઈ રહ્યા છે. ત્યારે નવરાત્રીનું સાચું મહત્ત્વ દિનપ્રતિદિન ભુલાઈ રહ્યું છે. આ દિવસોમાં જગદંબાની વિશિષ્ટ શક્તિ તેમજ ભક્તિ મેળવવાનો અનેરો અવસર હોય છે. હાલના તબક્કે પ્રાચીન ગરબાનું આયોજન કરવું તે આયોજકો માટે પણ વિમાસણનો વિષય બનતો હોય છે ત્યારે હિંમતનગરના પીપળી કંપા પાસે આવેલા અત્રિ ગ્રીનમાં આ વર્ષે પ્રાચીન સમયના ગરબાની સાથે અર્વાચીન સુવિધાઓનો તાલમેલ કરી ખેલૈયાઓ માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

