VIDEO: સાબરકાંઠા / ચાંદીપુરા વાયરસનો આતંક! વધુ 1 બાળકીનું કરૂણ મોત, તમારા બાળકને આ રીતે બચાવો
સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે ભારે આતંક મચાવ્યો છે, જ્યાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક 2 વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટરાની આ બાળકી સિવિલમાં સારવાર હેઠળ હતી, જેની સાથે જ હોસ્પિટલમાં કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચી જતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ મૃતક બાળકીનો લેબોરેટરી રિપોર્ટ આવવો બાકી છે, જ્યારે હજુ પણ એક બાળક સિવિલ હોસ્પિટલમાં જિંદગીની જંગ લડી રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને અંતરિયાળ વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેથી વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 26મી જૂનથી નવમી જુલાઈ દરમિયાન ચાંદીપુરા વાઈરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. સિવિલમાં મૃતકોમાં બનાસકાંઠાના બનોદરા ગામના 3 વર્ષીય બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બાબારી ગામના 6 વર્ષીય બાળકનું મોત થયા બાદ ત્રણ દિવસ પછી પોઝિટિવ આવ્યો હતો. ત્રીજા મૃતકમાં પંચમહાલ જિલ્લાના વેજલપુર વ્યાસડા ગામની 11 વર્ષીય બાળકીનું મોત થયું હતું. જેના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ સાબરકાંઠાના આરઓઓએ જણાવ્યું હતું.
વડાલીના રહેડાના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે મોત નિપજ્યું. પોશીના તાલુકાના દેમતી ગામના બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું. પરંતુ વાલી બાળકની યોગ્ય સારવાર કરાવવાના બદલે લઈને પલાયન થઈ જતાં શંકાસ્પદ બાળકનું પણ મોત નિપજ્યું હતું. તેમ આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારીએ જણાવ્યું હતું.
જ્યારે પાછલા 48 કલાક દરમિયાન જિલ્લાના ફિચોડ, નાનાચેખલામાં શંકાસ્પદ કેસ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ 4 ગામોમાં આરોગ્યની ટીમો મોકલી સર્વે હાથ ધરાયો છે. તમામ શંકાસ્પદ કેસોની માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને મોકલવામાં આવે છે.

