VIDEO: સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો પ્રકોપ: 5 બાળકોના મોત, હિંમતનગર સિવિલમાં 7 શંકાસ્પદ કેસ
Chandipura Virus In Sabarkantha: સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 7 કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીમાં ચાર શંકાસ્પદ અને એક પોઝિટિવ સહિત પાંચ બાળકોનાં મોત થયા છે. જ્યારે હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવાયો છે.
શંકાસ્પદ દર્દીના રિપોર્ટ આવવાના બાકી, એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 26મી જૂનથી નવમી જુલાઈ દરમિયાન ચાંદીપુરા વાઈરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. સિવિલમાં મૃતકોમાં બનાસકાંઠાના બનોદરા ગામના 3 વર્ષીય બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બાબારી ગામના 6 વર્ષીય બાળકનું મોત થયા બાદ ત્રણ દિવસ પછી પોઝિટિવ આવ્યો હતો. ત્રીજા મૃતકમાં પંચમહાલ જિલ્લાના વેજલપુર વ્યાસડા ગામની 11 વર્ષીય બાળકીનું મોત થયું છે. જેના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ સાબરકાંઠાના આરઓઓએ જણાવ્યું હતું.
વડાલીના રહેડાના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત નિપજ્યું. પોશીના તાલુકાના દેમતી ગામના બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું. પરંતુ વાલી બાળકની યોગ્ય સારવાર કરાવવાના બદલે લઈને પલાયન થઈ જતાં શંકાસ્પદ બાળકનું પણ મોત નિપજ્યું હતું. તેમ આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારીએ જણાવ્યું હતું.
જ્યારે પાછલા 48 કલાક દરમિયાન જિલ્લાના ફિચોડ, નાનાચેખલામાં શંકાસ્પદ કેસ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ 4 ગામોમાં આરોગ્યની ટીમો મોકલી સર્વે હાથ ધરાયો છે. તમામ શંકાસ્પદ કેસોની માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને મોકલવામાં આવે છે.

