VIDEO: જલિયાવાલા બાગથી પણ ભયાનક હત્યાકાંડ: પાલ–દઢવાવના 1200 શહીદોને 104મી વરસીએ સાબરકાંઠામાં ભાવભીની શ્રદ્ધાંજલિ
VIDEO: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં જે ઘટનાને જલિયાવાલા બાગ કરતાં પણ વધુ ભયાનક માનવામાં આવે છે, તેવા પાલ-દઢવાવ હત્યાકાંડને આજે 104 વર્ષ પૂર્ણ થયા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ-દઢવાવ ગામે આજે આદિવાસી શહીદોની 104મી વરસી નિમિત્તે એક ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકોએ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી વીરોને નમન કર્યા હતા.
7 માર્ચ 1922: ઈતિહાસનો કાળો દિવસ
આજથી 104 વર્ષ પહેલા, 7 માર્ચ 1922ના રોજ અંગ્રેજ સરકારના અન્યાયી કર અને શોષણના વિરોધમાં સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં હજારો આદિવાસીઓ પાલ-દઢવાવના મેદાનમાં એકત્ર થયા હતા. ગરીબ આદિવાસીઓનો અવાજ દબાવવા માટે અંગ્રેજ અધિકારીના આદેશ બાદ સૈન્ય દ્વારા અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ કરુણ ઘટનામાં 1200થી વધુ આદિવાસી ભાઈ-બહેનોએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.
શહીદોના બલિદાનની અમર ગાથા
આ હત્યાકાંડ એટલો ભયાનક હતો કે સ્થાનીય નદીનું પાણી લોહીથી લાલ થઈ ગયું હોવાનું ઈતિહાસમાં નોંધાયેલું છે. 104 વર્ષ વીત્યા બાદ પણ આ બલિદાનની સ્મૃતિ આજે પણ લોકહૃદયમાં જીવંત છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, પાલ-દઢવાવનો આ સત્યાગ્રહ આદિવાસી સમાજની દેશભક્તિ અને બલિદાનનું સર્વોચ્ચ પ્રતીક છે. આજના દિવસે સ્મારક ખાતે ઉપસ્થિત રહેલા લોકોએ શહીદોના પથ પર ચાલવા અને દેશની અખંડિતતા જાળવી રાખવા સંકલ્પ કર્યો હતો.

