VIDEO: રાજકોટમાં સૅલ્ફી લેવાના ચક્કરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 યુવકો આવ્યા, 2નાં કરૂણ મોત, 1 ગંભીર હાલતમાં
VIDEO: સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર સમાન રાજકોટમાં આજે સોમવારે એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજકોટની ગોંડલ ચોકડી પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે 3 યુવાનો આવવાની ઘટનામાં બે લોકોનાં મોત થયા હતા. જ્યારે એક યુવાન ગંભીર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ 'સૅલ્ફી' અને 'સોશિયલ મીડિયા રીલ્સ' હોવાનું સામે આવ્યું છે. સારવાર દરમિયાન વધુ એક યુવાનનું મોત નિપજતા આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે, જ્યારે એક યુવાન હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરમાં આ પીડિત ત્રણેય યુવાનો પરપ્રાંતીય હતા અને સ્થાનિક કારખાનામાં મજૂરી કામ કરીને પોતાની આજીવિકા રળતા હતા. આજે બપોર બાદ એટલે કે બીજી ફેબ્રુઆરી સોમવારે વંદે ભારત એક્સપ્રેસ પસાર થઈ રહી હતી ત્યારે આ યુવાનો ટ્રેન સાથે સૅલ્ફી લેવા અને મોબાઈલમાં રીલ્સ બનાવવા માટે રેલવે ટ્રેકની નજીક ગયા હતા. ટ્રેનની હાઈ-સ્પીડનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. રેલવે પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

