VIDEO: રાજકોટ: ઉપલેટામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ શરૂ થયેલો વરસાદ એટલો ધોધમાર હતો કે માત્ર ૫૦૦ મીટર પછીની વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી. આ મુશળધાર વરસાદને કારણે થોડી જ ક્ષણોમાં શહેરના મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. આ મેઘમહેરથી સ્થાનિક લોકોમાં આનંદ અને જગતના તાત એવા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.જોકે, આ ધોધમાર વરસાદ આફત પણ લઈને આવ્યો છે. વરસાદ બંધ થતાં જ ઉપલેટા શહેરમાં ઠેર-ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જેના કારણે માર્ગો પર અકસ્માતની સંભાવનાઓ અત્યંત વધી ગઈ છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેકઠેકાણે જોખમી ભુવાઓ પડવાના કિસ્સાઓ સામે આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

