VIDEO: Rajkot / મહેન્દ્ર પાડલિયાના નિવેદનથી ભાજપ-કોંગ્રેસની સાંઠગાંઠ ખુલ્લી પડી, AAPએ કર્યા ગંભીર આક્ષેપો
ધોરાજી-ઉપલેટાના રાજકારણમાં અત્યારે ભારે હડકંપ મચ્યો છે. ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જાહેર મંચ પરથી કરેલી એક કબૂલાતે વિપક્ષ અને જનતાને ચોંકાવી દીધા છે. પાડલિયાએ સ્વીકાર્યું છે કે, "કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, અમે (ભાજપે) તેમને ઉમેદવારો આપ્યા છે." આ નિવેદનને આધારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ પર મિલીભગતના ગંભીર આક્ષેપો કર્યા છે.
આ મામલે ધોરાજી 'આપ'ના શહેર પ્રમુખ એડવોકેટ અરવિંદ કાપડિયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આંતરિક સાંઠગાંઠ હવે જગજાહેર થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ કહ્યું હતું કે, "ભાજપને મત આપજો પણ આપ-ને નહીં." આ નિવેદનો સાબિત કરે છે કે બંને પક્ષો આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરી ગયા છે.
આપ દ્વારા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી સમયના કથિત હોટલ શાયોનો ગોલ્ડના સીસીટીવી વીડિયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ભાજપ-કોંગ્રેસના ગઠબંધનના આક્ષેપો થયા હતા. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આગામી સમયમાં જનતા આ 'સાંઠગાંઠ'ના રાજકારણને ઓળખી જશે અને આપી આમ આદમી પાર્ટીનાઈમાનદાર રાજકારણને સ્વીકારશે.

