Rajkot: મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો; રૂ. 51 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી ફરી એકવાર ડિગ્રી વગર લોકોની સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે દરોડો પાડીને મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક શખ્સની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, જેતપુરના વિસ્તારમાં કોઈપણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર એક શખ્સ દવાખાનું ખોલીને બેઠો હતો અને એલોપેથિક પદ્ધતિથી લોકોની સારવાર કરી રહ્યો હતો. આ શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની ચોક્કસ બાતમી SOG ને મળી હતી, જેના આધારે ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે દરોડા દરમિયાન દવાખાનામાંથી અલગ-અલગ એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો મળી કુલ રૂ. 51,655નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. SOG દ્વારા આ મામલે નથુની ઉર્ફે મનીષ પાસવાન નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.

