મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપમાં જૂથવાદ? રાજકોટના મેયરે કહ્યું - મને બદનામ કરવા કાવતરું ઘડવામાં આવ્યું

રાજકોટના મેયર મહાકુંભથી પરત ફરતા જ તેમને મહાનગર પાલિકાને 34 હજાર 780 રૂપિયાનું ભાડું ચુકવવું પડ્યુ

ભાજપમાં જૂથવાદ? રાજકોટના મેયરે કહ્યું - મને બદનામ કરવા કાવતરું ઘડવામાં આવ્યું

રાજકોટના મેયર મહાકુંભથી પરત ફરતા જ તેમને મહાનગર પાલિકાને 34 હજાર 780 રૂપિયાનું ભાડું ચુકવવું પડ્યું હતું. રાજકોટનાં પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયા સરકારી ઇનોવા કાર લઈને મહાકુંભમાં ગયા હતા. જેમાં તેઓ માત્ર રૂ. 2 લેખે કાર લઈ ગયાનું સામે આવ્યા બાદ મેયરે રૂ. 10 પ્રતિકિમીની ચુકવણી કરવાનું જાહેર કર્યું હતું.

સવારે કાર ફાયર વિભાગને પરત સોંપવામાં આવી

ગત મોડીરાત્રે મેયરનો આ પ્રવાસ પૂર્ણ થતાં આજે સવારે કાર ફાયર વિભાગને પરત સોંપવામાં આવી હતી. આ કાર કુલ 3,478 કિમી દોડી હોવાથી મેયરે પ્રતિકિમી રૂ.10 લેખે 34,780નું બિલ પણ ભર્યું હતું. આવા પ્રવાસ માટે પ્રતિકિમી રૂ. 10 ચૂકવવાનો ઠરાવ અગાઉ જ થઈ ચૂક્યો હોવાની સ્પષ્ટતા મેયરનાં પીએ દ્વારા કરવામાં આવી હતી. જો કે, વિવાદ થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રતિ કિલો મીટર  2 રૂપિયાનો જ દર હોવાની વાત કરી હતી.

તસવીરો બહાર આવતાં વિવાદ શરૂ થયો

રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ફાળવાયેલી સત્તાવાર ઈનોવા કારમાં પોતોના પતિ, ભાજપના અન્ય મહિલા અગ્રણી અને સાથી કોર્પોરેટર વગેરેને લઈને કુંભસ્નાન કરવા ગયા હતા, જ્યાં ખાસ તો મેયરની એ કાર પર કપડાં સૂકવાયાં હોય એવી તસવીરો બહાર આવતાં વિવાદ શરૂ થયો હતો. 

આ સમાચાર શેર કરો