સુરતની SVNIT કોલેજમાં રેગિંગ મુદ્દે વિરોધ, NSUIએ ડિરેક્ટર પાસે કરી આકરી કાર્યવાહીની માગ
સુરતની એસવીએનઆઈટી કોલેજમાં થોડા દિવસો અગાઉ વિદ્યાર્થીઓને જન્મદિવસે પટ્ટા મારવાની ઘટનાના વીડિયો સામે આવ્યાં હતાં.

સુરતની એસવીએનઆઈટી કોલેજમાં થોડા દિવસો અગાઉ વિદ્યાર્થીઓને જન્મદિવસે પટ્ટા મારવાની ઘટનાના વીડિયો સામે આવ્યાં હતાં. આ વીડિયો જૂના હોવા છતાં શિક્ષણ જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં. જેથી આ વીડિયોમાં રેગિંગ કરનાર સામે આકરી કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
નક્કર પગલાં ભરવા માગ
સુરતની SVNIT કોલેજમાં વિદ્યાર્થી રેગિંગ મામલે ભારે વિરોધ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓએ પટ્ટા મારી બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. NSUI દ્વારા SVNIT ખાતે વિરોધ કરાયો હતો. જેમાં SVNITના ડિરેક્ટરને રજૂઆત કરાઈ હતી. કોલેજ દ્વારા નક્કર પગલાં ભરવા માંગ કરાઇ હતી. NSUI કાર્યકરો દ્વારા ડિરેક્ટરને પોતાનો પટ્ટો કાઢી ટેબલ પર આપવામાં આવ્યો હતો.
આંદોલનની ચીમકી
કોલેજ દ્વારા ઘટનાને ગંભીરતાથી નહિ લેવાનો આરોપ લગાવી પોતાને પટ્ટા મારવા જણાવ્યું હતું. એનએસયુઆઈ સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, કોલેજ દ્વારા આ વીડિયો જૂના હોવાની વાત ઉચ્ચારાઈ છે. ત્યારે અમે જૂના વીડિયો હોવા છતાં તેના પર કાર્યવાહી કરવાની માગ કરી છે. જો કે, કોલેજ દ્વારા સમગ્ર મામલે કોઈ નક્કર કાર્યવાહી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.








