અંકલેશ્વર નજીક બ્રિજ પર ખાડાને કારણે ટેમ્પો પલટ્યો, એક્સપ્રેસ હાઈવે પર ભ્રષ્ટાચારનું ગાબડું
દેશના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હા

દેશના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. અંકલેશ્વરના અડોલ અને પીલુદરા ગામ વચ્ચેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવેના બ્રિજ પર પડેલા મોટા ગાબડાને કારણે એક આઈશર ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો હાઈવે પર જ પલટી મારી ગયો હતો.
બ્રિજ પરનું મોટું ગાબડું બન્યું અકસ્માતનું કારણ
મળતી માહિતી અનુસાર, આ એક્સપ્રેસ હાઈવે પર અડોલ-પીલુદરા વચ્ચે આવેલા એક બ્રિજ પર લાંબા સમયથી મોટું ગાબડું (ખાડો) પડી ગયું હતું. ભારે ગતિએ પસાર થઈ રહેલા આઈશર ટેમ્પોનું વ્હીલ અચાનક આ ગાબડામાં આવી જતાં સ્ટીયરિંગ પરથી ચાલકનો કાબૂ છૂટી ગયો હતો. કાબૂ ગુમાવ્યા બાદ ટેમ્પો હાઈવેની વચ્ચે જ ધડાકાભેર પલટી મારી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
હાઈવેની ગુણવત્તા અને તંત્રની બેદરકારી સામે સવાલો
એક્સપ્રેસ હાઈવે પર વાહનો ખૂબ જ ઊંચી ઝડપે દોડતા હોય છે, તેવામાં આ પ્રકારના મોટા ગાબડા વાહનચાલકો માટે મોતના કુવા સમાન સાબિત થઈ રહ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ હાઈવે પર ટૂંકા સમયમાં જ ગાબડા પડવા અને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા તેની સમયસર મરામત ન કરવી, તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.
વાહનચાલકોની માંગ: "લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવા છતાં એક્સપ્રેસ હાઈવે પર આવી સુવિધાઓ મળી રહી છે. જો આ ગાબડાં તાત્કાલિક પૂરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે."






