Video/ Patan જિલ્લા પંચાયત ખાતે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ મુલતવી રાખતા મહિલાઓનો હોબાળો
પાટણ જિલ્લા પંચાયત દ્વારા સામાજિક ન્યાય નિધિ અંતર્ગત લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન વિતરણ કરવા માટે આયોજન કરાયેલા કાર્યક્રમને મુલતવી રાખવામાં આવતા મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કાર્યક્રમ સ્થળે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
માહિતી મુજબ, સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અધિકારીઓ દ્વારા મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા ન હતા, જેના કારણે મહિલાઓ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. અનેક મહિલાઓ કલાકો સુધી કાર્યક્રમ સ્થળે બેસી રહી હતી, છતાં કોઈ અધિકારી કે પદાધિકારી સ્થળ પર હાજર ન થતાં મહિલાઓમાં અસંતોષ વધ્યો હતો.
આખરે મહિલાઓ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી હતી અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોતાની રોષભરી રજૂઆત કરી હતી. સિલાઈ મશીન મેળવવા માટે મહિલાઓએ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી બહાર બેસી વિરોધ પણ નોંધાવ્યો હતો.
આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલીક અરજીઓ ખોટી રીતે આવી હોવાની રજૂઆત મળતા કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી સમયમાં યોગ્ય તપાસ કર્યા બાદ સાચા લાભાર્થીઓને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

