VIDEO: હારીજ પાસે લક્ઝરી બસ પલટી ખાતા ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
VIDEO: પાટણ જિલ્લાના હારીજ-શંખેશ્વર હાઈવે પર આજે રવિવારના દિવસે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હારીજ નજીક આવેલી ટીમ્બા નર્સરી પાસે એક લક્ઝરી બસ અચાનક પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રાથમિક અહેવાલ મુજબ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
ટુ-વ્હીલરને બચાવવા જતાં સર્જાયો અકસ્માત
મળતી વિગતો અનુસાર, આ લક્ઝરી બસ શંખેશ્વર તરફથી આવી રહી હતી. હારીજ નજીક ટીમ્બા નર્સરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રસ્તા પર એક ટુ-વ્હીલર સવાર આવી જતાં, તેને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો પાટણના સંડેર ગામના હોવાનું સામે આવ્યું છે.
સેવાભાવી યુવાનો અને તંત્રની ત્વરિત કામગીરી
અકસ્માતની જાણ થતા જ હારીજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની સાથે હારીજના સેવાભાવી યુવાનો પણ મોટી સંખ્યામાં મદદ માટે આવી પહોંચ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. હારીજની 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રવિવારના રજાના દિવસે બનેલી આ ઘટનાથી સંડેર ગામમાં અને ઈજાગ્રસ્તોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

