વરાણા મેળો 2026: પાટણના વરાણા ધામમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, ખોડિયાર જયંતીએ 'આઈ'ના દર્શને ઉમટી મેદની

વરાણા મેળો 2026: ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આજે ખોડિયાર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મા આધ્ય શક્તિ આઈશ્રી ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. મહાસુદ આઠમના પરમ પવિત્ર દિવસે અહીં 15 દિવસ સુધી ચાલતો ભાતીગળ લોકમેળો ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ માઈ ભક્તિમાં લીન થવા ઉમટી પડ્યા છે.
પરચાધારી માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર
આદ્ય શક્તિ મા ખોડિયારના પરચાની ગાથાઓ વરાણા સાથે જોડાયેલી છે. આ મેળામાં અઢારેય વર્ણના લોકો, ખાસ કરીને ચારણ, આહીર, ભરવાડ, રબારી, ઠાકોર અને માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. ભક્તો ટ્રેક્ટર, ટેમ્પો અને અન્ય વાહનોમાં સવાર થઈને પરિવાર સાથે માતાજીની માનતા પૂરી કરવા આવે છે. મહાસુદ આઠમના દિવસે મા ખોડિયાર જયંતીનું વિશેષ માહાત્મય છે. જેથી ભાવિકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
'સાની' તલની ઘાણી અને મેળાનું આકર્ષણ
પાટણ જિલ્લામાં આવેલા વરાણા ગામના મહામેળામાં સૌથી વધુ મહત્ત્વ માતાજીને 'સાની' (તલ અને ખાંડની ઘાણી) ચઢાવવાનું છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક સાની ચઢાવી સુખ-શાંતિની પ્રાર્થના કરે છે. આ ઉપરાંત મેળામાં વિવિધ પ્રકારના ચગડોળ, મોતનો કૂવો અને રંગબેરંગી હાટડીઓથી વાતાવરણ જીવંત બન્યું છે. વઢિયાર વિસ્તારના લોકો માટે આ 15 દિવસ એટલે વર્ષનું સૌથી મોટું 'સેલિબ્રેશન' ગણાય છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભારે ભીડને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા વરાણામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે.


