VIDEO: Patan / વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશોમાં આક્રોશ, સોસાયટીમાં 'કામ નહીં તો વોટ નહીં' ના બેનરો લગાવ્યા
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલી ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો સામે મોરચો માંડ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ ન થતા, રોષે ભરાયેલા રહીશોએ સોસાયટીના પ્રવેશદ્વાર પર "કામ નહીં તો વોટ નહીં" ના બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે ચોમાસા દરમિયાન સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહીશોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે રહીશોએ અનેકવાર વહીવટી તંત્ર તેમજ જિલ્લા કલેકટરને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરાઈ નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આગામી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કોઈપણ રાજકીય પક્ષના આગેવાનો કે કાર્યકરોએ વોટ માગવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. ચૂંટણી સમયે જ દેખાતા નેતાઓ સામે જનતાએ આક્રમક વલણ અપનાવતા પાટણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

