VIDEO: Patan / 71 પરિવારોને ઘર ખાલી કરવા અલ્ટીમેટમ, આશરો છીનવાતા મહિલાએ સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી
પાટણ શહેરના ડીસા રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં વસવાટ કરતા 71 ગરીબ પરિવારોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા આ પરિવારોને આગામી 9 એપ્રિલ સુધીમાં તમામ બાંધકામો દૂર કરવાની કડક નોટિસ ફટકારવામાં આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં મકાન ખાલી કરવાના આદેશથી 70થી વધુ પરિવારોના માથે આભ તૂટી પડ્યું છે.
સીટી સર્વે કચેરી દ્વારા આપવામાં આવેલી નોટિસ મુજબ, આ પરિવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના આશરા દૂર કરવાના રહેશે. શ્રમજીવી પરિવારોનું કહેવું છે કે, આટલા ટૂંકા સમયમાં તેઓ પોતાના સામાન, નાના બાળકો અને વૃદ્ધોને લઈને ક્યાં જાય? આ પ્રશ્ન અત્યારે વિકટ બન્યો છે. ઘર વિહોણા થવાના ડરથી સોસાયટીના સભ્યોએ એકઠા થઈને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી છે.
શ્રમજીવી સોસાયટીના રહીશોએ નમ્રતાપૂર્વક સરકાર પાસે માંગ કરી છે કે જો તેઓને રહેવા માટે વૈકલ્પિક પ્લોટ ફાળવવામાં આવે, તો તેઓ સ્વેચ્છાએ હાલની જગ્યા ખાલી કરવા તૈયાર છે. જોકે, કોઈ નક્કર આશ્વાસન ન મળતા એક મહિલાએ અત્યંત આક્રોશમાં આવીને ચીમકી ઉચ્ચારી છે કે જો તેઓને રસ્તા પર લાવી દેવામાં આવશે, તો તેઓ શ્રમજીવી સોસાયટીમાં જ સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવી દેશે.

