Patan: મસ્તાની ગેંગના સભ્યોએ મિત્ર પર જ કર્યો હુમલો, રસ્તા પર આંતરીને ગાડીના કાચ તોડ્યા અને આપી ધમકી

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે વધુ એક ફિલ્મી સ્ટાઈલથી હુમલાની ઘટના સામે આવી છે. ₹10 લાખની જૂની લેતીદેતી અને જૂની અદાવતનો બદલો લેવા માટે ઝીલીયાની કુખ્યાત 'મસ્તાની ગેંગ' ના સભ્યોએ 4 ગાડીઓના કાફલા સાથે એક અર્ટિગા ગાડીને ઘેરી લઈ તોડફોડ મચાવી હતી. આ મામલે આખરે 10 દિવસ બાદ પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આ વિવાદના મૂળમાં ₹10 લાખની નાણાકીય લેતીદેતી હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદી જ્યારે પોતાની અર્ટિગા ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઝીલીયાના ભાવેશ બળદેવભાઈ દેસાઈ (ભાવેશ જીલીયા) ના ઈશારે તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો 4 અલગ-અલગ ગાડીઓનો કાફલો લઈને આવ્યા હતા. તેઓએ ફરિયાદીની ગાડીને રસ્તામાં આંતરીને ચારે બાજુથી ઘેરી લીધી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ અર્ટિગા ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ મામલે ભાર્ગવ દેસાઈ (ઝીલીયા), અક્કી દેસાઈ, દેવું દેસાઈ અને અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

