VIDEO: Patan / પૂર્વ નગરસેવકો સામે જનતામાં ભારે રોષ, GSTVના ગ્રાઉન્ડ રિપોર્ટમાં વિકાસના દાવાઓની ખૂલી પોલ
પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે GSTV દ્વારા પાટણના શહેરીજનોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન પાલિકાના વહીવટ અને પૂર્વ નગરસેવકોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
શહેરના અનેક વિસ્તારોમાં પૂર્વ નગરસેવકો દ્વારા કોઈ ખાસ નક્કર કામો ન થયા હોવાની રાવ ઉઠી છે. ખાસ કરીને વોર્ડ નંબર 4 ના રહીશોમાં પાલિકા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 4 માં આવેલા સિદ્ધરાજ સોસાયટી, દેવ સોસાયટી અને રાજનગર સોસાયટી પાસે નવા બનેલા પુલને કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં વાસ મારતું અને ડોહળું પાણી આવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય છે. પુલના નિર્માણ બાદ ડ્રેનેજ લાઇનોમાં અડચણ ઉભી થઈ રહી છે, જેના કારણે ગટરના પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે.

