પાટણ ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા, મુખ્ય આરોપીઓને આશરો અને વાહનો પૂરા પાડનારા 3 શખ્સો ઝડપાયા

પાટણમાં જિમ સંચાલક પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે વધુ ત્રણ શખ્સોની અટકાયત કરી છે. રોટલિયા હનુમાન મંદિર નજીક આવેલા શ્રેય કોમ્પ્લેક્સમાં જિમ સંચાલક પર છ રાઉન્ડ ફાયરિંગ કરવાના બનાવમાં બે મુખ્ય આરોપીઓને મદદ કરનારા ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા છે. આરોપીઓએ ફાયરિંગ કરનારા શખ્સોને બાઈક અને સ્કોર્પિયો કાર પૂરી પાડી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
બે મુખ્ય આરોપીઓને વાહન આપનારા 3 ઇસમોની અટકાયત
મળતી માહિતી મુજબ, પાટણમાં રોટલિયા હનુમાન નજીક આવેલા શ્રેય કોમ્પ્લેક્સમાં જિમ સંચાલકને નિશાન બનાવી છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગંભીર બનાવ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન ફાયરિંગ કરનારા બે મુખ્ય આરોપીઓને આશરો આપવા ઉપરાંત તેમને ગુનામાં ઉપયોગ માટે બાઈક અને સ્કોર્પિયો કાર પૂરી પાડનારા શખ્સો અંગે પોલીસને માહિતી મળી હતી. દરમિયાન પાટણ-ઊંઝા હાઈવે પરથી એક બિનવારસી બાઈક મળી આવ્યા બાદ પોલીસને તપાસમાં મહત્ત્વની કડી મળી હતી. આ કડીના આધારે પોલીસે તીર્થ દેસાઈ, કુલદીપ ગલચર અને જગદીશ રબારી નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી.
પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી. આ ઉપરાંત પોલીસે ગુનાહિત આશ્રય આપવાના મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 249(B)નો ઉમેરો કર્યો હતો, જેને પણ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે.
આમ, પાટણ ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપીઓને મદદ કરનારા ત્રણ શખ્સો ઝડપાતાં તપાસમાં મહત્ત્વની પ્રગતિ થઈ છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની વધુ પૂછપરછ કરીને ફાયરિંગ કેસના અન્ય પાસાઓ અને સંડોવાયેલા લોકો અંગે તપાસ કરશે.











