Video: પાટણ નજીક જામનગર-અમૃતસર નેશનલ હાઈવે પર સેનાના ચાર એરક્રાફ્ટનું લેન્ડિંગ, લેફ્ટનન્ટ કર્નલે જણાવી હકીકત

ભારતીય સેનાના સાહસિક અભિયાન અંતર્ગત આજે જામનગર-અમૃતસર નેશનલ હાઈવે (ભારતમાલા રોડ) પર બકુત્રા ટોલ પ્લાઝા નજીક ચાર એરક્રાફ્ટનું સફળતાપૂર્વક અને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અનોખા પ્રદર્શને દેશના હાઈવેની ક્ષમતા તેમજ કટોકટીના સંજોગોમાં વૈકલ્પિક લેન્ડિંગ ગ્રાઉન્ડ તરીકે તેના ઉપયોગની સંભાવનાઓને ઉજાગર કરી છે.
આ અભિયાનનો પ્રારંભ ગત ૧૪ નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના મઉ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વડોદરા, કેવડિયા, ભાવનગર, દીવ, કેશોદ, જામનગર, પોરબંદર અને મુન્દ્રા સહિત ગુજરાતના વિવિધ આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લઈને અભિયાનની ટીમ ભુજ પહોંચી હતી. વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓમાં એરક્રાફ્ટની કાર્યક્ષમતા અને સંચાલન ક્ષમતાની ચકાસણી કરવી આ અભિયાનનો મુખ્ય હેતુ રહ્યો છે.
ભૌગોલિક પરિસ્થિતિઓમાં એરક્રાફ્ટની કાર્યક્ષમતા ચકાસવવાનો ઉદ્દેશ્ય
આ અંગે લેફ્ટનન્ટ કર્નલ બરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ અભિયાનના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો છે. પ્રથમ, રણ, કચ્છ, દરિયાકાંઠાના વિસ્તારો અને પહાડી પ્રદેશો જેવી વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓમાં એરક્રાફ્ટની કાર્યક્ષમતા ચકાસવી. બીજું, દેશમાં એડવેન્ચર એરો સ્પોર્ટ્સ અંગે જાગૃતિ ફેલાવી યુવાનોને આ ક્ષેત્રથી પરિચિત કરાવવા અને ત્રીજું, ભારતીય સેનાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સેનામાં જોડાવા માટે પ્રેરિત કરવા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના પ્રદર્શનનો વિશેષ ઉદ્દેશ્ય એ ચકાસવાનો હતો કે, નેશનલ હાઈવે પર આ પ્રકારના એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ શક્ય છે કે કેમ અને દેશના હાઈવે વૈકલ્પિક તેમજ ઇમરજન્સી લેન્ડિંગ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે કે કેમ. ચારેય એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ થતાં આ પ્રયોગ સફળ રહ્યો છે. આ પ્રદર્શન ભવિષ્યમાં જરૂરિયાતના સમયે હાઈવેનો વૈકલ્પિક રનવે તરીકે ઉપયોગ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે.
આ અભિયાન દરમિયાન ૧૫ નવેમ્બરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફ્લાઈંગ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિર ઉપરથી પણ ઓવરફ્લાઈંગ કરીને દેશના ઐતિહાસિક અને ધાર્મિક વારસા પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો.








